આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઈ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ અને સ્ફુરે ગઝલ.
દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.
ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઈ મયૂરે ગઝલ.
બે ધડકતા દિલોની કહાણી બને, રંગભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર-દૂરે ગઝલ.
દેહના કોડિયે પ્રાણની વાટને લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.
જન્મ, મૃત્યુ છે મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે ‘શૂન્ય’ ખૂદની હજૂરે ગઝલ.
સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ ‘શૂન્ય’ પાલનપુરી
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment